અમદાવાદઃ સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટ (અમદાવાદ)નું ખાનગીકરણ થઇ ગયું છે, પરંતુ કોરોનાને લીધે ખાનગી કંપની તેને ક્યારે હસ્તગત કરશે તેને લઇને અનિશ્ચિતતાના વાદળો ઘેરાયા છે. જોકે, એક સંભાવના હવે એવી સામે આવી છે કે અમદાવાદ એરપોર્ટનું સંચાલન જર્મનીની કંપનીને સોંપવામાં આવી શકે છે.
આ કંપની હાલમાં જર્મનીનું મ્યુનિક એરપોર્ટનું સંચાલન કરી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી એક તરફ આત્મનિર્ભરતા પર ભાર મૂકી રહ્યા છે ત્યારે અમદાવાદ એરપોર્ટ પેટા કોન્ટ્રાક્ટમાં વિદેશી કંપનીને સોંપવાનું વિચારાઈ રહ્યું છે. અમદાવાદ એરપોર્ટનું સંચાલન જે ખાનગી કંપની અદાણી ગ્રુપને સોંપાયું છે તે કંપનીએ અમદાવાદ ઉપરાંત મેંગલુરુ અને લખનૌ એરપોર્ટના ઓપરેશન્સ-મેન્ટેનન્સ માટેના ટેન્ડર ગત મહિને જારી કર્યાં હતાં. જેમાં સિંગાપુરના ચાંગી, ફ્રાન્સના એરપોર્ટનું સંચાલન કરતી કંપનીઓએ પણ રસ દર્શાવ્યો હતો. હવે મ્યુનિચ એરપોર્ટનું સંચાલન કરતી ફ્લગાફેન મ્યુકેન આ રેસમાં સૌથી મોખરે છે. મ્યુનિચની આ કંપની આ માટે ઔપચારિક્તા પણ પૂરી કરી લીધી હોવાની અટકળો છે.
આ કોન્ટ્રાક્ટની શરતો અનુસાર આ એરપોર્ટના ઓપરેશન-મેન્ટેનન્સ ઉપરાંત તેના સ્ટાફને વૈશ્વિક ધારાધોરણ પ્રમાણે તાલીમ પણ આપવી પડશે. થર્મલ સ્કેનર માટે પણ અદાણી જૂથે વિશ્વની ૪૦ કંપનીઓનો સંપર્ક કર્યો હોવાના અહેવાલ છે. ફેબ્રુઆરી ૨૦૧૯ના અમદાવાદ સહિત ૬ એરપોર્ટના કોન્ટ્રાક્ટ ખાનગી કંપનીને મળ્યા હતા.